1 Sept 2019

એમેઝોનના જંગલમાં લાગેલી આગ

બ્રાઝિલમાં એમેઝોનનાં વર્ષાવનોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગને બુજાવવામાં મદદ માટે G7 દેશોએ પણ હાથ લાંબો કર્યો છે. જોકે, બ્રાઝિલની સરકારે કોઈ પણ દેશ પાસેથી મદદ લેવાની ના પાડી દીધી છે.

G-7 સમિટના યજમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને 22 મિલિયન ડૉલરની મદદ આપવાની વાત કરી છે, પરંતુ બ્રાઝિલના મંત્રીઓનું કહેવું છે કે તેમને પૈસાની જરૂર નથી.

આ સાથે જ તેમણે વિદેશી શક્તિઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ એમેઝોનના જંગલો પર કબજો મેળવવા માગે છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોના મંત્રી ઓનિક્સ લૉરેન્ઝોનીએ ગ્લોબો ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરી હતી.

તેમાં તેમણે જણાવ્યું, "મેક્રોન વિશ્વની ધરોહર ગણાતા ચર્ચ(એપ્રિલમાં પેરિસના નૉટ્ર ડામ કૅથેડ્રલ ચર્ચમાં આગ લાગી હતી)માં આગ લાગવાની ઘટનાને ટાળી શકતા નથી અને તેઓ અમારા દેશ મામલે અમને પાઠ ભણાવવા માગે છે?"

એમેઝોનનાં વર્ષાવનોને જંગલોની દુનિયામાં ઑક્સિજન માટે મુખ્ય સ્રોત મનાય છે.

કેમ કે ધરતીને 20% ઑક્સિજન બ્રાઝિલનાં વર્ષાવનોમાંથી મળે છે.